









સનાતન સતપંથ પ્રેરણા પીઠની પ્રવૃત્તિઓ સનાતન સતપંથ પ્રેરણા પીઠ એ એક વિશાળ ધર્મ સંકુલ હોઈ ત્યાં અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.
૧) અન્ન ક્ષેત્ર:- સનાતન સતપંથ પ્રેરણાપીઠ ખાતે દર્શનાર્થે આવતાં યાત્રાળુઓ માટે મફત અન્નક્ષેત્ર ચાલે છે. જેમાં સવાર-બપોર-સાંજ સ્વાદિષ્ટ સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ચા-દૂધ માટે કેન્ટીન ચાલુ છે. પીવા માટે ઠંડુ સ્વચ્છ પાણી તથા નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થા છે. સંસ્થાના વર્તમાન ગાદીપતિ પ.પૂ જગદગુરુ સતપંથાચાર્યશ્રીની દેખરેખ નીચે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા સાથેનો વહીવટ થઇ રહ્યો છે. તેમાં સદગુરુશ્રીની પ્રેરણાથી તૈયાર કરેલ ભોજન અક્ષયપાત્રની જેમ કયારેય ખૂટતું નથી અને રસોડાનો ભંડાર કાયમી અખૂટ રહે છે. અન્નક્ષેત્ર નિયુક્ત પૂ. મહંતશ્રીની દેખરેખ રહે છે.
(૨) નિવાસ વ્યવસ્થા:- દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે વિશાળ નિવાસ વ્યવસ્થા છે. તેમાં મુખ્યત્વે શિવભુવન, વિષ્ણુભુવન, નારાયણભુવન, નિષ્કલંકીભુવન, રામજીભુવન, કાનજીભુવન વગેરે છે. જેમાં દરેક પ્રકારની રહેવાની સુંદર વ્યવસ્થા આવેલ છે. નવા મકાનોમાં લીફ્ટની સગવડ છે.
(૩) સવાર-સાંજ સંધ્યા આરતી અને વારીયજ્ઞ:-સદગુરુ શ્રી હંસતેજજી મહારાજના સમાધિ સ્થળે-ઢોલિયા મંદિરે નિયમિત સવાર-સાંજ આરતી ધૂપ દીપ પૂજન થાય છે અને વહેલી સવારે અને મોડી સાંજે ઢોલિયા મંદિરમાં વારિયજ્ઞ કુંભ-કળશ મહાપૂજા થાય છે. કુંભ કળશ વારિયજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્ય શક્તિ, આદ્ય નારાયણ સાથે સર્વ દેવોનું પવિત્ર મંત્રોચ્ચારથી આહવાન કરવામાં આવે છે. તેમને નમસ્કાર કરી મન વાંચ્છિત કામનાઓ પૂર્ણ કરવા તથા દેશ અને દુનિયામાં સુખ શાંતિ અને સંસ્કૃતિના જતન માટે દેવોને પ્રાર્થના વિનંતી કરી આશીર્વાદ મેળવાય છે. ભગવાનના નવ અવતારોને વંદન અને દસમા અવતાર શ્રી નિષ્કલંકી ભગવાનનું પૂજન અર્ચન થાય છે.
(૪) સત્સંગ ભવન-અન્નપૂર્ણાં ભવન:- વિશેષ સંજોગોમાં યોજાતા ધાર્મિક કાર્યક્રમો તેમજ ઉત્સવો માટે અદ્યતન વિશાળ “શ્રી નિષ્કલંકી નારાયણ સત્સંગ ભવન” તથા “આદ્યશક્તિ અન્નપૂર્ણા ભવન”નું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં સમયે સમયે ધાર્મિક કાર્યક્રમો, બાળ સુસંસ્કાર, શિક્ષણ શિબિરો, યુવા શિક્ષણ શિબિરો તથા ધ્યાન યોગ શિબિરોનું આયોજન પ.પૂ. યોગતપોનિષ્ટ સંતશ્રી પ્રેમદાસબાપુ દ્વારા કરવામાં આવે છે.
(૫) ખેતીવાડી:- સંસ્થાની પોતાની માલિકીની જમીન આવેલી છે. જેમાં મુખ્યત્વે ડાંગર તથા ઘઉં જેવા પાકો થાય છે. અનાજની થતી ઉપજ સંસ્થાના ભંડાર(અન્ન ક્ષેત્ર)માં ઉપયોગમાં લેવાય છે. આ ખેતી વિભાગમાં નિયુક્ત મહંતશ્રીની દેખરેખ નીચે યાંત્રિક સાધનોથી આધુનિક ઢબે કરાતી હોવાથી ખેતીની સારી ઉપજ આવે છે. જે સંસ્થામાં જમા થાય છે. સંસ્થાની બીજી જમીનમાં થતો ઘાસચારો સંસ્થાની ગૌશાળામાં ઉપયોગમાં લેવાય છે.
(૬) ગૌશાળા:- આ સંસ્થાનું જ પેટા અંગ સમાન ગૌશાળા સારી ચાલે છે. જેમાં સારી જાતની અનેક ગાયો છે. જે સારું દૂધ આપે છે. ગૌશાળાનું દૂધ નિજ સંસ્થામાં યાત્રિકો તેમજ ગુરુકુળના બાળકો માટે ઉપયોગમાં લેવાય છે.
૭) ગુરુકુળ શૈક્ષણિક વ્યવસ્થા:- પ્રેરણાપીઠની બીજી સંસ્થા શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજ ટ્રસ્ટ દ્વારા ગુરુકુળ નામની શૈક્ષણિક સંસ્થા ચાલે છે. જેમાં કે. જી. થી ધોરણ-૧૨ સુધી ઈંગ્લીશ તથા ગુજરાતી માધ્યમના અભ્યાસ ક્રમ ચાલે છે. જેમાં આશરે ૨૫૦૦ બાળકો અભ્યાસ કરે છે. ભવિષ્યમાં કોલેજના અભ્યાસના વર્ગો ખોલવા(ચાલુ કરવા)માં આવશે.
ગુરુકુળમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન વિદ્યાર્થીઓને નિયમિત સવાર-સાંજ, ચા-નાસ્તો, ભોજન આપાય છે. આ સંસ્થામાં પૂર્ણ સગવડો સાથે ઓછા ખર્ચે સારું શિક્ષણ આપાય છે.
(૮) સાહિત્ય પ્રકાશન:- આ સંસ્થાના શુભેચ્છક સંસ્થા શ્રી ક. ક. પા. સ. સ. સમાજ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતી સતપંથ પ્રકાશન સમિતિ નહિ નફાના ધોરણે સનાતન સતપંથ ધર્મને લાગતાં પ્રકાશનો તથા સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ રચિત ગ્રંથોમાંથી તમામ પ્રકાશનો બહાર પડે છે. જે સનાતન સતપંથ પ્રકાશન સમિતિના પૂર્વ સંપાદક શ્રી શામજીદાદાની સતપંથ ધર્મની ઊંડી સમજ તથા તેના અભ્યાસને લઈને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજના પુસ્તકોનો ખુબ ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી તેને નવા સ્વરૂપે સતપંથ સમાજ સમક્ષ મૂકતાં સનાતન સતપંથ સંપ્રદાયને નવું જોમ જુસ્સો મળ્યો છે.
અગાઉ દર્શાવ્યા મુજબના સાહિત્યો ઉપરાંત સંતશ્રી નાયાજી મહારાજ, સંતશ્રી ભાભારામ મહારાજ, સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ જીવન ચરિત્ર, વારીયજ્ઞ મહાપૂજા વગેરે આધ્યાત્મિક પુસ્તકો બહાર પાડવામાં આવ્યાં છે. સતપંથ ધર્મને લગતા તમામ લેખો, સંસ્થાના સમાચારો, ધાર્મિક તેમજ સામાજિક વિચારોને વેગ આપવા, ભાવી કાર્યક્રમોની માહિતી આપવા તેમજ ધર્મ પ્રચાર-પ્રસાર માટે સનાતન સતપંથ પ્રકાશન સમિતિ દ્વારા “સતપંથ પ્રકાશ” નામક માસિક અંક બહાર પાડવામાં આવે છે.
(૯) આરોગ્ય કેન્દ્ર:- જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ સંસ્થા દ્વારા અલ્પ ફી લઈને દવાખાનું (હોસ્પિટલ) ચલાવવામાં આવે છે જેમાં દરરોજ સેંકડો દર્દીઓ આ દવાખાનનો લાભ લે છે. જેમાં આંખ અને દાંતની સારવાર પણ કરવામાં આવે છે.
(૧૦) વાર્ષિક ઉત્સવો:- આ સંસ્થા જાહેર ત્રણ મોટા ઉત્સવો ઉજવે છે. જેમાં (૧) અમૃત મહોત્સવ(પગપાળા સંઘ / સંધમેળો ચૈત્ર સુદ-૨ ના દિવસે) (૨) ગુરુપૂર્ણિમા મહોત્સવ(અષાઢ સુદ-૧૫ના દિવસે) (૩) જગદગુરુ પદ પ્રતિષ્ઠા મહોત્સવ(આસો સુદ-૧૫ ના દિવસે). આ ઉપરાંત આ સંપ્રદાય દ્વારા શ્રાવણ માસમાં અનુષ્ઠાનો, આધ્યાત્મિક સતસંગ, કૃષ્ણ જન્મોત્સવ, ગણેશોત્સવ, નવરાત્રી ઉત્સવ, દિવાળી, શિવરાત્રી, રામનવમી, હોલીકાત્સવ, અખાત્રીજ વગેરે જેવા ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. શ્રી દશાવતાર કથા, ગોપીગીત કથા, ગુરુજન ગીતા કથા વગેરે કથાઓનું સમયાંતરે આયોજનો કરવામાં આવે છે.









