સનાતન સતપંથ

સર્વ ધર્મનો મૂળ પાયો સત્ય ઉપર જ છે. સૃષ્ટિના પ્રારંભકાળે એક માત્ર અદ્વિતીય ‘સત’ જ હતું. સર્વ સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ ‘સત’ છે. આ અદ્વિતીય સત્ય જ સર્જક, પાલક અને સંહારક છે. જેવી રીતે એક સુક્ષ્મ બીજમાં વિરાટ વટવૃક્ષ સમાયેલુ હોય છે. તે પ્રમાણે સુક્ષ્મ ‘સત’ આ સમસ્ત જગતનો આધાર છે. આવા અવિનાશી સુક્ષ્મ તત્વરૂપ ‘સત’ને જાણવાનો જે માર્ગ છે તેને સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે “સનાતન સતપંથ” એવું નામ આપ્યું. સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજે ‘ૐ’ પ્રણવ બ્રહ્મ તથા “સોહમ”ના સ્મરણ સાથે જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન ધરવું તેવું સનાતન સતપંથ ધર્મમાં દર્શાવ્યું છે. સદગુરુએ તેમના આધ્યાત્મિક સાહિત્યમાં ‘સત’ ઉપર જ ભાર આપ્યો છે. જેમ કે- “સતની નાવે બેસીએ તો સદગુરુ ઉતારે પાર.”
મનુષ્યનું અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિનું છે, તે ભક્તોને સમજાવી જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવા કળિયુગમાં “ૐ શ્રી નિષ્કલંકી નારાયણ નમઃ” કલિતારક મંત્ર છે. જેનો જાપ અને ચિંતનથી જીવાત્માને સંસારની મોહ માયાનો ક્ષય કરાવી પરબ્રહ્મની પ્રાપ્તિ થઇ શકે તે માટે સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજે “મૂળબંધ” ગ્રંથમાં તત્વદર્શનની રચના કરી તેમાં તત્વજ્ઞાન અને આત્મજ્ઞાનનું વર્ણન કરેલ છે. જેના થકી જીવાત્મા મુક્તિ પામે છે

સનાતન સતપંથ મૂળત: વિષ્ણુની ઉપાસના કરવા વાળો પંથ(સંપ્રદાય) છે. જે વિષ્ણુ ભગવાનના આદિમાં થઈ ગયેલ નવ અવતારો- મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, અને બુદ્ધ ભગવાનને વંદન કરે છે, અને કળિયુગમાં પ્રગટ થનાર શ્રી વિષ્ણુ ભગવાનના દશમા અવતાર ‘શ્રી નિષ્કલંકી (કલ્કિ) નારાયણ’નું પૂજન(ઉપાસના) કે નામ સ્મરણ કરે છે. ધર્મશાસ્ત્રો મુજબ દરેક યુગમાં શ્રી વિષ્ણુ ભગવાન અવતાર ધારણ કરી ધરતી માતા(પૃથ્વી)ને પાપાચારીઓથી મુક્ત કરવા આવે છે. પ્રવર્તમાન કળીયુગમાં પણ ભગવાન વિષ્ણુનો અંતિમ દસમો અવતાર થવાનો છે. જે નિષ્કલંકી નારાયણ (કલ્કી નારાયણ) સ્વરૂપે થશે. એવી સંપૂર્ણ શ્રધ્ધા સાથે હવે થનાર અંતિમ દશમા અવતાર ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણની ભક્તિ પુરા ભાવથી સનાતન સતપંથ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે. અગાઉ થઇ ગયેલ સંતો તેમજ મહાપુરુષો દ્વારા જુદા જુદા સમયે કેટલીક આગમવાણી કરવામાં આવેલ છે. દા.ત. સિધ્ધલાલનાથજી નકલંક પુરાણમાં કહે છે કે:- પશ્ચિમ ધરામાંથી આદિપુરુષ નકલંક ભગવાન જન્મ ધરી સેતલ ઘોડે (શ્વેત ઝાંયવાળા ઘોડે) બેસીને આવશે. આ ઉપરાંત દેવાયત પંડિત, રામદેપીર, તુલસીદાસ, સરવણ કાપડી, મામૈયા વગેરેએ આગમવાણી ભાખી છે. કેટલીક આગમવાણીમાં કલ્કિ, નક્ળંક, કે નકલંક જેવા નામથી પણ દર્શાવવામાં આવે છે. પ્રથમ સતયુગમાં ભક્ત પ્રહલાદ જેમ નરસિંહના જાપ જપ્યા હતા, ત્રેતાયુગમાં ભક્ત શબરીએ પ્રભુ રામના જાપ જપ્યા હતા.
સદગુરુશ્રીએ આપેલ સતપંથ ધર્મના સિધ્ધાંતો
સનાતન સતપંથ સંપ્રદાયમાં નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે છે. આ નિર્ગુણ નિરાકાર એજ “સત્ તત્વ” છે જેને વેદ, ઉપનીષદ ‘ૐ’ તત સત કહી ઓળખાવે છે. ઉપનિષદો તેને ‘બ્રહ્મ’ કહીને ઓળખાવે તે સતપંથ. સનાતન સતપંથ ધર્મ એ સાધકના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને શાંત કરાવી “પરમ સત્” ને શરણે લઇ જાય છે. આ ઉપરાંત જોઈએ તો સનાતન સતપંથ કેટલીક મૂળભૂત માન્યતાઓ(સિધ્ધાંતો) ઉપર ટકેલો છે. (આધાર રાખે છે.)
(૧) પરમતત્વ(પરમાત્મા) જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કર્તા છે. ટૂકમાં (પરમાત્મા) જ ઉત્પન્ન કર્તા, પોષણ કર્તા અને સંહાર કર્તા છે.
(૨) આ પરમતત્વ નિરાકાર સ્વરૂપે છે, જે સર્વશક્તિમાન, અનાદિ, સર્વાધાર, સર્વવ્યાપક, અજર, અમર, નિત્ય, પવિત્ર, અનંત, સર્વનિયામક, અંતર્યામી છે. એજ સર્વજ્ઞ પરમતત્વ, સત-ચિત્ત-આનંદ સ્વરૂપ પરમાત્મા જ પૂજ્ય એટલે કે ઉપાસ્ય દેવ છે.
(૩) જીવ માત્ર પરમતત્વ(સત/બ્રહ્મ)નો અંશ છે. આત્માએ પરમાત્માનું પ્રતિબિંબ છે. અજ્ઞાનના કારણે કર્મબંધન પામેલ જીવાત્મા પોતાને પરમાત્માથી અલગ માને છે. પરંતુ પરમજ્ઞાન ઉદય થતાં જીવાત્માનું મમત્વ, માયા, કર્તાભાવ વગેરે નષ્ટ થતાં પોતાના મૂળ સ્વરૂપને ઓળખીને પરમાત્મામાં વિલિન થઇ જાય છે. અર્થાત જીવ શિવ રૂપ બની જાય છે.
(૪) આદ્યનારાયણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને આદ્યશક્તિએ મુખ્ય કે ઇષ્ટ દેવતા છે. જેની પૂજા ઉપાસના કરવામાં આવે છે. જેને હિન્દુ ધર્મશાસ્ત્રોમાં “પંચાયતન દેવ” તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સૃષ્ટિ ચક્ર ચાલક દેવતાઓ જેવા કે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી, કુબેર વગેરે માનવ જીવનના અલગ અલગ ક્ષેત્રના મુખ્ય અધિષ્ઠતા દેવગણ છે.
(૫) પરમાત્મા જ ધર્મની રક્ષા કાજે અને અધર્મનો નાશ કરવા સાકાર રૂપે અવતાર ધારણ કરે છે.
(૬) સનાતન સતપંથમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહએ તેના પાયાના સિદ્ધાંતો છે. તથા અદ્વૈતવાદ-દ્વૈતવાદ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
(૭) પરમાત્માને પામવા માટે સરળ માર્ગ એક ભક્તિ યોગ અને બીજો ધ્યાન યોગ છે. ભક્તિ વડે ઈશ્વર પ્રસન્ન થાય છે અને આત્માનું કલ્યાણ કરે છે. સતપંથ સંપ્રદાયમાં નવધા ભક્તિ, ચતુર્વિધભક્તિ, ભક્તિ પૂજા વગેરે પધ્ધતિએ ઉપાસના કરવામાં આવે છે.
(૮) સનાતન સતપંથ ધર્મમાં જ્યોત ઉપાસના કે ઘટપાટ મહાપૂજા(વારિયજ્ઞ)ના માધ્યમથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્ય શક્તિ, આદ્ય નારાયણ સાથે તેત્રીસ કોટી દેવતાઓનું આહવાન, પૂજન-અર્ચન અને આરાધના કરી તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. વારિયજ્ઞ ધાર્મિક કર્મકાંડની સાથે સાથે અધ્યાત્મિક જ્ઞાન સાધનાની ક્રિયા છે. કહેવાય છે કે આદિ દેવ શિવજી અને ઉમિયા દેવીએ સાથે મળીને આ મહાધર્મ ચલાવ્યો છે.
(૯) સનાતન સતપંથી સાધકે સન્યાસ લેવાની જરૂર નથી, તે સંસાર વચ્ચે રહીને, પરિવારની ફરજો પાળી(નિભાવી)ને પણ પરમબ્રહ્મને પામી શકે છે. આ માટે નામ સ્મરણ, જપ, તપ, વ્રત ઉપાસના, સત્સંગ તથા શિક્ષાપત્રીમાં આપેલ નિયમોનું પાલન કરવું, માતા-પિતા, ગુરુ અતિથિ અભ્યાગતની સેવા કરવી એજ માનવ જીવન કલ્યાણનો માર્ગ માનવામાં આવે છે.
(૧૦) સનાતન સતપંથ ધર્મમાં જાતિભેદ, જ્ઞાતિભેદ, આભડછેટ જેવા ભેદને કોઈ સ્થાન નથી. સતપંથએ માનવધર્મ, સમાનતાનો ધર્મ અને સામાજિક સંવાદિતા સ્થાપતો ધર્મ છે. સતપંથ ધર્મ હિંદુની અઢારે વર્ણ સ્વીકારે છે.
(૧૧) સનાતન સતપંથમાં દરેક સાધકે ગુરુ કરવા જરૂરી છે. સનાતન સતપંથ સંપ્રદાયમાં ‘સદગુરુ’ એક અને માત્ર એક “સદગુરુ શ્રીઈમામશાહ મહારાજ” છે, બાકી તમામને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે.
(૧૨) સનાતન સતપંથ ધર્મ પુનર્જન્મમાં માને છે. સતકર્મ અધિક થવાથી મનુષ્ય આધ્યાત્મિક માર્ગ તરફ આગળ ગતિ પ્રાપ્ત કરે છે. જયારે પાપકર્મ વધી જવાથી જીવાત્મા પશુ-પંખી, કીટ-પતંગા વગેરે જેવી નિમ્ન કોટીની યોનિમાં જન્મ લેવો પડે છે.
(૧૩) પ્રવર્તમાન યુગધર્મને અનુસરીને સનાતન સતપંથમાં ચારે વેદોમાંથી અથર્વવેદને પ્રાધાન્ય આપ્યું છે.
(૧૪) આ સંપ્રદાય સાકાર અને નિરાકાર બન્ને સ્વરૂપને સમાન રીતે માનવાની શ્રધ્ધા ધરાવે છે. કારણકે તે સ્પષ્ટ રીતે માને છે કે સાકારમાંથી જ નિરાકારમાં જઈ શકાશે.
સનાતન સતપંથ ધર્મનો ઉપદેશ
(૧) જીવાત્માને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત(મોક્ષ) થવાનો માર્ગ(ઉપદેશ):- સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ રચિત “મૂળબંધ” ગ્રંથમાં તેમણે ચાર વેદો, ઉપનિષદો વગેરેના તત્વજ્ઞાનના સાર રૂપે ભવિષ્યવાણી, સંતવાણી, અમૃતવાણી, મનહરજ્ઞાન, મનચિત્તવરણી, મનચિંતામણી, ભગવદ્ દશાવતાર ગ્રંથ, યજ્ઞવિધિ, ગુરુવાણી, યોગવાણી, શિક્ષાપત્રી, શ્રી નિષ્કલંક ગીતા, દેવી નારાયણ સંવાદ વગેરે જ્ઞાનપદોમાં અત્યંત ઉચ્ચ કોટિનું તત્વજ્ઞાન (આત્મજ્ઞાન) પીરસ્યું છે. જેના થકી(વડે) આ દેહમાં પરમતત્વની અનુભૂતિ કરી જીવાત્માને મોક્ષ(મુક્ત) થવાનો માર્ગ દર્શાવેલ છે. સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજના જ્ઞાનપદોમાં અત્યંત ઉચ્ચ કોટિનું તત્વજ્ઞાન ઊભરી આવે છે. જે અથર્વવેદના આધારે નિર્માણ થયેલું છે. અથર્વવેદમાં કરેલ ઉલ્લેખ મુજબ માનવ જીવનનું ધ્યેય આત્મ સાક્ષાત્કાર કરવાનું છે અર્થાત પોતે જ પોતાને ઓળખાવાનું હોય છે. સનાતન સતપંથ જ્ઞાનની અનુભૂતિનો માર્ગ છે. સદગુરૂએ તેમના પદમાં કહ્યું છે કે –
“સતપંથ ધરમ સો કહીએ, જેણે ઓળખ્યા સતગુરુ નૂર રે,
પરિબ્રહ્મ વિષ્ણુંને ઓળખ્યા, તે તો અમર હુવા તતખેવ રે.”
(૨) મનુષ્યે પોતાના સંસારિક જીવનમાં આચરણમાં મુકવાનો માર્ગ(ઉપદેશ):- સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજે મનુષ્યને પોતાની ફરજ સમજાવી શુધ્ધ સાત્વિક જીવન જીવવા માટે વારિયજ્ઞ, કુંભ-કળશની પૂજા દ્વારા દેવોને આહવાન કરી તેના આશિષ મેળવવા કહ્યું છે અને ભક્તોને સદબોધ માટે શિક્ષાપત્રી દ્વારા સો(૧૦૦) શિખામણ આપેલ છે. જેમાં મુખ્ય સવાર-સાંજ પ્રભુને પ્રાર્થના, કોઈની નિંદા ન કરવી, ક્રોધ ન કરવો, ઈર્ષા ન કરવી, સૌ સાથે પ્રેમથી બોલવું, રાત દિવસ સત્યનું આચરણ કરવું, ધર્મનું આળશ ન કરવું, જુઠું ન બોલવું, દુઃખીજનોની મદદ કરવી, નિર્વસ્ત્રને વસ્ત્ર આપવાં, પરગમન કરવું નહિ, કન્યા વિક્રય ન કરવો, લાંચ લેવી દેવી નહિ, ખોટું કરવું નહિ, આત્મહત્યા કરવી નહિ, જીવતો જીવ ન મારવો, લીલું ઝાડ ભાંગવું નહિ, સુપાત્રને દાન દેવું, ચોખ્ખાઈ ચતુરાઈમાં રહેવું, પ્રભાતે ફૂલ ન ચૂંટવાં, કોઈની ભાંજગડ કરવી નહિ વગેરે મુખ્ય ઉપદેશ છે.
સનાતન સતપંથનું સ્વરૂપ
(૧) દ્રઢ નિશ્ચય (૨) પ્રતિજ્ઞા (૩) નિયમ
(૧) દ્રઢ નિશ્ચય:- (અ) સત્ય (આ) પુરુષાર્થ (ઇ) પ્રેમ (ઈ) સમાનભાવ (ઉ) અહિંસા (ઊ) પરોપકાર (એ) ક્ષમા
(અ) સત્ય:- બોલવામાં અને આચરણમાં હંમેશાં સત્યનું પાલન કરવું.
(આ) પુરુષાર્થ:- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે પુરુષાર્થ કરવો.
- ધર્મ:- વેદોક્ત માર્ગનું યથાશક્તિ આચરણ કરવું.
- અર્થ:- ન્યાય અને નીતિના માર્ગે જ ધન મેળવવું.
- કામ:- વાસનાઓ જીતી ઇન્દ્રિયો પર કાબુ મેળવવો.
- મોક્ષ:- મુક્તિનું અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેવું.
(ઇ) પ્રેમ:- કોઈના દોષો તરફ ન જોતાં તેના ગુણ ગ્રહણ કરી પ્રેમથી રહેવું.
(ઈ) સમાનભાવ:- આપણે બધાં એક જ ઈશ્વરના બાળકો છીએ, બંધુ ભાવનાથી રહેવું.
(ઉ) અહિંસા:- તન મનથી હિંસા ત્યજી દેવી.
(ઊ) પરોપકાર:- પ્રત્યેકને મદદ, દુ:ખીજનોની સેવા અને દરેકના કલ્યાણની ભાવના રાખવી.
(એ) ક્ષમા:- આપણને દુઃખ કે કષ્ટ આપનારને ક્ષમા આપવી એ આપણી ફરજ છે.
(૨) પ્રતિજ્ઞા:-
(અ) સતપંથની દરેક પ્રતિજ્ઞાઓનું પાલન કરવું.
(આ) બાળકોને સનાતન સતપંથ ધર્મ સંસ્કારનું શિક્ષણ આપવું.
(ઈ) અંધશ્રધ્ધાનો ત્યાગ અને જ્ઞાનદ્રષ્ટિનું અવલંબન.
(૩) નિયમ:- (અ) શરીર શુધ્ધિ (આ) હૃદય શુધ્ધિ (ઈ) વ્રત (ઇ) ઉપાસના (ઉ) ધ્યેય
(અ) શરીર શુધ્ધિ:- લાઇસૂતક, મરણસૂતક, રજસ્વલા, સ્નાન, શૌચાદિ બાબતોમાં શાસ્ત્ર મુજબ વર્તવું અને શુધ્ધ થવું.
(આ) હૃદય શુધ્ધિ:- અમલી(કેફી) પદાર્થો એટલે કે લસણ, ડુંગળી, હિંગ, તમાકુ, અફીણ, ગાંજો, ભાંગ, તાડી, માંસ-મદિરા વગેરે જેવા નિષેધ (માદક) વસ્તુઓનો(પદાર્થો)નો ત્યાગ કરવો.
(ઈ) વ્રત:- યુગધર્મ મુજબ દરેક મહિનાની સુદ બીજનું વ્રત કરવું, તેમજ શુક્રવારના રોજ થનાર ચંદ્ર દર્શનનું મહાવ્રત કરવું.
(ઇ) ઉપાસના:- પ્રાતઃસંધ્યા અને સાંયસંધ્યા કરવી, જ્યોતિનું અને પ્રણવ “ૐ” નું ધ્યાન તેમજ પરમેશ્વરનું અને સદગુરુનું ચિંતન કરવું, ઘટપાટ પૂજા કરી ગુરુમંત્રનું નામ સ્મરણ કરવું.
(ઉ) ધ્યેય:- ધ્યેય પુરુષ શ્રી નિષ્કલંકી નારાયણના સ્વરૂપનું મનમાં ધ્યાન ધરી તેમનું સ્મરણ ચિંતન હંમેશાં કરવું.
સંસ્થા પરિચય

સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ
સનાતન સતપંથ સંપ્રદાયની સ્થાપના આશરે ૫૦૦ વર્ષ પહેલાં સનાતન સતપંથ પ્રેરણા પીઠ, પીરાણા, તા. દશક્રોઈ, જીલ્લો અમદાવાદ(ગુજરાત) મુકામે પ્રવર્તક શ્રી સદગોર ઈમામશાહ મહારાજે કરી છે. તેઓ જે તે સમયે હિન્દુ વૈદિક સનાતન વિચારધારાને વેગ આપવા માટે સમગ્ર ભારતના વિસ્તારોમાં ફરી ફરીને ઉપદેશ આપેલ છે. ઉપરોક્ત સ્થળે તેમણે સમાધિ મંદિર બનાવેલ છે. તથા ઉપરોક્ત સંપ્રદાયની સંસ્થાની સ્થાપના કરેલ છે. સદગુરુશ્રીએ વેદો, ઉપનિષદો વગેરેના તત્વ જ્ઞાન દ્વારા તેમના પાંચેય શિષ્યોને આધ્યાત્મિક બોધ આપેલ છે. જેમાં (૧) ચંદનવીર મહારાજ (૨) ભાભારામ મહારાજ (૩) સાધ્વી કીકીબાઈ (૪) નાયાજી મહારાજ અને (૫) શાણાકાકા. આ પૈકી સંસ્થાના સૌ પ્રથમ ગાદીપતિ (આચાર્ય) તરીકે સંતશ્રી શાણાકાકાને સ્થાપેલ હતા. સંસ્થાની વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ ગાદીના ઉતરાધિકારી(અધિકારી) હિંદુ જ્ઞાતિના પારીદાર કુળના જ ગાદીપતિ બને છે. તે પરંપરા મુજબ ૨૨મા ગાદીપતિ તરીકે બ્રહ્મલીન જગદગુરુ સતપંથાચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ તથા ૨૩મા ગાદીપતિ જગદગુરુ સતપંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ બિરાજમાન હતા. પ.પૂ. જગદગુરુ સતપંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ બ્રહ્મલીન થતાં તેમના સ્થાને ૨૪મા ગાદીપતિ તરીકે તેમજ સંસ્થાના આચાર્ય પદે પ.પૂ. જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનનેશ્વરદાસજી મહારાજની સારસા મુકામે સતકેવલ પીઠમાં મળેલ અખિલ ભારતીય સંતસમિતિ દ્વારા જગદગુરુ પદ માટે ચાદર-તિલક તેમજ નામકરણ વિધિ કરવામાં આવેલ છે, તથા સાથે અખિલ ભારતીય સંત સમિતિ દ્વાર વરિષ્ઠ સંરક્ષક પશ્ચિમાંચલ વિભાગ માટે પદોનિયુક્તિ કરવામાં આવેલ છે.
આ સંસ્થા ધર્મરક્ષા, ગૌરક્ષા, ગૌપાલન તેમજ રાષ્ટ્રરક્ષા જેવી બાબતો પર વિશ્વ હિંદુ પરિષદ, આર.એસ.એસ., અખિલ ભારતીય સંત સમિતિ, બજરંગ દળ, જે વૈદિક હિંદુ આધારિત સંસ્થાઓ સાથે મળીને વિવિધ પ્રવૃતિઓ, સંમેલનો કરે છે. જેથી સમાજમાં ધર્મ જાગરણ, સંસ્કાર, સંગઠન, માનવ સેવા, વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરી શકાય. આ સંસ્થાની રાહબરી નીચે તેની પેટા સંસ્થાઓ ઉપરાંત ભારત ભરમાં આવેલાં નાના મોટા સેંકડો નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિરોમાં દરેક પ્રકારની શિબિરોનું આયોજન સમયાનુસાર કરવામાં આવે છે. આ સંસ્થા(સંપ્રદાય)સાથે હિંદુ જ્ઞાતિના લગભગ અગિયાર લાખ જેટલા અનુયાયીઓ આસ્થા ધરાવે છે.
આ સંપ્રદાય અખિલ ભારતીય અખાડા સમિતિની નિર્મલ અખાડા સમિતિ સાથે, અખિલ ભારતીય સંત સમિતિ સાથે, તેમજ હિંદુ આચાર્ય સભા સાથે જોડાયેલ છે. આ ગાદીને “જગદગુરુ સનાતન સતપંથ પીઠ” તરીકે ઘોષિત કરેલ છે. આ સંસ્થાના વડા અખિલ ભારતીય સંત સમિતિમાં પશ્ચિમ વિભાગના સંરક્ષક તરીકે સેવાઓ આપેલ છે. તેમજ હાલમાં આ સંસ્થાના મહામંડલેશ્વર શ્રી જનાર્દન હરિજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિમાં કોષાધ્યક્ષનું પદ શોભાવી રહ્યા છે. આ સંસ્થાએ અનેકવિધ પ્રવૃતિમાં પાંચ જેટલા અખિલ ભારતીય સંત સમિતિના વિશાળ અધિવેશનો પણ યોજેલ છે. કુંભમેળાઓમાં શિબિર દ્વારા કથાઓ, યોગ શિબિરો(બાબા રામદેવની), સંત અધિવેશનો, અન્નક્ષેત્ર (ભંડારા), રક્ત દાન શિબિરો, નેત્ર ચકાસણી શિબિરો, સ્વચ્છતા જાગરણ અભિયાન વગેરે જેવી અનેક પ્રવૃતિઓ કરે છે.
આ સંસ્થાના વડા આદ્ય જગદગુરુ સતપંથાચાર્યશ્રી કરસનદાસજી મહારાજને વિવિધ નામી ધાર્મિક સંસ્થાઓ દ્વારા ‘દેવર્ષિ’, ‘વિરવર્ય,’ ‘પ્રેરણાપીઠ’ જેવા એવોર્ડ પ્રાપ્ત થયા છે. જે સનાતન સતપંથ સમાજનું ગૌરવ છે.
દિવ્યધામ સનાતન સતપંથ પ્રેરણા પીઠની વિશિષ્ટતાઓ
(૧) કુંવારીકા ક્ષેત્ર (૨) સદગુરુનું સમાધિ સ્થળ (૩) ઘીની અખંડ દિવ્ય જ્યોતિ (૪) સફેદ ધજા (૫) ચાંદીની પાદુકાઓ (૬) સોનાનો કળશ (૭) નગીના ગોમતી (૮) ઠંડી લાદી (૯) લોખંડની બેડી (૧૦) ઢોલિયા મંદિર (૧૧) પ પૂ. બ્રહ્મલીન આદ્ય જગદગુરુ સ્મૃતિ મંદિર (૧૨) બ્રહ્મલીન પ. પૂ. સંત રામદાસબાપુ સ્મૃતિધામ
- સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ સમગ્ર ભારત વર્ષમાં વૈદિક ધર્મનો પ્રચાર કરતા કરતા છેલ્લે ગીરમઠા ગામે આવી પ્રેરણા પીઠની સ્થાપના કરી હતી. તે સ્થાનને કુમારીકા ક્ષેત્ર કહેવામાં આવે છે અને તે જ સ્થાનને સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજે તેમના અંતિમ સમયે શિષ્યોની ઉપસ્થિતિમાં પરમતત્વમાં વિલિન થઇ સ્વધામે ગયા, તે જગ્યાને સમાધિ સ્થળ(સમાધિ મંદિર) કહે છે.
- સદગુરુજી તેના અંતિમ સમયે પોતાના શિષ્યોને બોલાવી સત્યધર્મનું જ્ઞાન સમજાવ્યું હતું અને પોતે હવે પરમ તત્વમાં વિલિન થઇ જવાની વાત કરી હતી. બાદ તેમને કોરા કોડિયામાં દિવેટ મુકાવી તેમના યોગબળે સ્વયં જયોતિને પ્રગટ કરી હતી. તેમના પાંચેય શિષ્યો સંતશ્રી નાયાજી મહારાજ, સંતશ્રી શાણાકાકા, સાધ્વી કીકીબાઈ, સંતશ્રી ભાભારામ મહારાજ અને ચંદનવીર મહારાજને કહ્યું કે: મારા અંતર્ધ્યાન થયા બાદ આ “દિવ્ય જયોતિ” અનંતકાળ સુધી રહેશે, આ “સફેદ ધજા” છે તે ધર્મ અને શાંતિનો સંદેશ આપતી કાયમ ફરકતી રહેશે અને આ “ચાંદીની પાદુકાઓ” છે તેનું પૂજન કરજો.
- સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજે પ્રથમથી જ તેમનું સમાધિ સ્થળ તૈયાર કરાવેલ તેના ઘુમ્મટ ઉપર સોનાનો કળશ સ્થાપિત કરેલ જે આજે પણ દ્રશ્યમાન છે. તેઓ જ્યાં બેસી સમાધિ સ્થળનું નિર્માણ કરાવતા હતા, તે ‘નગીના ગોમતી’ સ્થળ સમાધિ સ્થળની સામે છે.
- સમાધિ સ્થળ અને નગીના ગોમતી વચ્ચે ચંદનવીર મહારાજ(મુખ્ય શિષ્ય)ની સમાધિ છે. ચંદનવીરની સમાધિ નજીક જ્યાં સદગુરુ કાયમ તપશ્ચર્યા કરતા તે જગ્યાએ જે લાદી છે તે લાદીને ‘ઠંડીલાદી” કહે છે. જે આજે પણ ગમે તેટલી ગરમીમાં ઠંડી રહે છે.
- યાત્રાળુઓ તેના કાર્યની સફળતા મળશે કે નહિ, તેમજ તેનાં દુઃખ દર્દોના નિવારણ માટે પગમાં “લોખંડની બેડી” પહેરી સફળતાનો બોલ લે છે. કાર્ય સિધ્ધ થવાનું હોય તો તે બેડી આપ મેળે ખુલી જાય છે.
- ઢોલિયા મંદિરનું વર્ણન:- સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ જ્યાં રહેતા આરામ કરતા તેના પ્રતિક સમો ઢોલિયો જ્યાં છે તેને ‘ઢોલિયા મંદિર’ કહેવામાં આવે છે. તેમના ઢોલિયા પાસે સોનાનું કડું અને ઈંટ છે. ઢોલિયા પાસે “કલ્પ વૃક્ષ” ના ઝાડનું ચિત્ર છે જેમાં તેમના ઉપદેશનાં શ્રેષ્ઠ કથન ટૂંકાણમાં કંડારેલાં છે. બાજુમાં જ શ્રી નિષ્કલંકી ભગવાનનું વાહન “શ્વેત ઘોડો” અને તેનું “આયુધ તલવાર” છે. (હાલ તે તલવાર તેમના સિંહાસન ઉપર મુકવામાં આવી છે.) ઢોલિયા મંદિરના મધ્ય ભાગમાં “ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણનું સિંહાસન, બ્રહ્મા, વિષ્ણુ, મહેશનાં પ્રતિક ચિત્રો” સાથે આરસનું ગર્ભગૃહ છે. તેમની બાજુમાં “આદ્ય શક્તિની અખંડ જયોતિ” છે. આ મંદિરમાં સવાર-સાંજ નિયમિત સંધ્યા આરતી તથા મહાપૂજા વારિયજ્ઞ થાય છે.
- મંદિરની દીવાલોમાં સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ રચિત “મૂળબંધ” ગ્રંથના આત્મજ્ઞાનને લાગતાં નિષ્કલંક ગીતાનાં સુવાક્યો લખેલાં છે. તેમાં કર્મ પ્રમાણે ફળ ઉપરાંત આ મનુષ્ય જન્મ શા માટે ? અને આ જન્મે જ કાર્ય સિધ્ધિ પ્રાપ્ત કરી જીવન મુક્ત કેમ થવાય તે દર્શાવ્યુ છે.
- બહારના ભાગે સંસ્થાના મુખ્ય દરવાજા અંદર આદ્ય જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજ અને આદ્ય જગતગુરુ શ્રી નાનકદાસજી મહારાજનું “સ્મૃતિ મંદિર’ આવેલું છે. યાત્રાએ આવતા યાત્રાળુઓ પ્રથમ આ સ્મૃતિ મંદિરનાં દર્શન કરે છે. આ મંદિરમાં આવતાં જ શાંતિ તેમજ આનંદની અનુભૂતિ થાય છે.
સનાતન સતપંથ પ્રેરણા પીઠની પ્રવૃત્તિઓ
સનાતન સતપંથ પ્રેરણા પીઠ એ એક વિશાળ ધર્મ સંકુલ હોઈ ત્યાં અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.
(૧) અન્ન ક્ષેત્ર:- સનાતન સતપંથ પ્રેરણાપીઠ ખાતે દર્શનાર્થે આવતાં યાત્રાળુઓ માટે મફત અન્નક્ષેત્ર ચાલે છે. જેમાં સવાર-બપોર-સાંજ સ્વાદિષ્ટ સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ચા-દૂધ માટે કેન્ટીન ચાલુ છે. પીવા માટે ઠંડુ સ્વચ્છ પાણી તથા નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થા છે. સંસ્થાના વર્તમાન ગાદીપતિ પ.પૂ જગદગુરુ સતપંથાચાર્યશ્રીની દેખરેખ નીચે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા સાથેનો વહીવટ થઇ રહ્યો છે. તેમાં સદગુરુશ્રીની પ્રેરણાથી તૈયાર કરેલ ભોજન અક્ષયપાત્રની જેમ કયારેય ખૂટતું નથી અને રસોડાનો ભંડાર કાયમી અખૂટ રહે છે. અન્નક્ષેત્ર નિયુક્ત પૂ. મહંતશ્રીની દેખરેખ રહે છે.
(૨) નિવાસ વ્યવસ્થા:- દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે વિશાળ નિવાસ વ્યવસ્થા છે. તેમાં મુખ્યત્વે શિવભુવન, વિષ્ણુભુવન, નારાયણભુવન, નિષ્કલંકીભુવન, રામજીભુવન, કાનજીભુવન વગેરે છે. જેમાં દરેક પ્રકારની રહેવાની સુંદર વ્યવસ્થા આવેલ છે. નવા મકાનોમાં લીફ્ટની સગવડ છે.
(૩) સવાર-સાંજ સંધ્યા આરતી અને વારીયજ્ઞ:- સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજના સમાધિ સ્થળે-ઢોલિયા મંદિરે નિયમિત સવાર-સાંજ આરતી ધૂપ દીપ પૂજન થાય છે અને વહેલી સવારે અને મોડી સાંજે ઢોલિયા મંદિરમાં વારિયજ્ઞ કુંભ-કળશ મહાપૂજા થાય છે. કુંભ કળશ વારિયજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્ય શક્તિ, આદ્ય નારાયણ સાથે સર્વ દેવોનું પવિત્ર મંત્રોચ્ચારથી આહવાન કરવામાં આવે છે. તેમને નમસ્કાર કરી મન વાંચ્છિત કામનાઓ પૂર્ણ કરવા તથા દેશ અને દુનિયામાં સુખ શાંતિ અને સંસ્કૃતિના જતન માટે દેવોને પ્રાર્થના વિનંતી કરી આશીર્વાદ મેળવાય છે. ભગવાનના નવ અવતારોને વંદન અને દસમા અવતાર શ્રી નિષ્કલંકી ભગવાનનું પૂજન અર્ચન થાય છે.
(૪) સત્સંગ ભવન-અન્નપૂર્ણાં ભવન:- વિશેષ સંજોગોમાં યોજાતા ધાર્મિક કાર્યક્રમો તેમજ ઉત્સવો માટે અદ્યતન વિશાળ “શ્રી નિષ્કલંકી નારાયણ સત્સંગ ભવન” તથા “આદ્યશક્તિ અન્નપૂર્ણા ભવન”નું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં સમયે સમયે ધાર્મિક કાર્યક્રમો, બાળ સુસંસ્કાર, શિક્ષણ શિબિરો, યુવા શિક્ષણ શિબિરો તથા ધ્યાન યોગ શિબિરોનું આયોજન પ.પૂ. યોગતપોનિષ્ટ સંતશ્રી પ્રેમદાસબાપુ દ્વારા કરવામાં આવે છે.
(૫) ખેતીવાડી:- સંસ્થાની પોતાની માલિકીની જમીન આવેલી છે. જેમાં મુખ્યત્વે ડાંગર તથા ઘઉં જેવા પાકો થાય છે. અનાજની થતી ઉપજ સંસ્થાના ભંડાર(અન્ન ક્ષેત્ર)માં ઉપયોગમાં લેવાય છે. આ ખેતી વિભાગમાં નિયુક્ત મહંતશ્રીની દેખરેખ નીચે યાંત્રિક સાધનોથી આધુનિક ઢબે કરાતી હોવાથી ખેતીની સારી ઉપજ આવે છે. જે સંસ્થામાં જમા થાય છે. સંસ્થાની બીજી જમીનમાં થતો ઘાસચારો સંસ્થાની ગૌશાળામાં ઉપયોગમાં લેવાય છે.
(૬) ગૌશાળા:- આ સંસ્થાનું જ પેટા અંગ સમાન ગૌશાળા સારી ચાલે છે. જેમાં સારી જાતની અનેક ગાયો છે. જે સારું દૂધ આપે છે. ગૌશાળાનું દૂધ નિજ સંસ્થામાં યાત્રિકો તેમજ ગુરુકુળના બાળકો માટે ઉપયોગમાં લેવાય છે.
(૭) ગુરુકુળ શૈક્ષણિક વ્યવસ્થા:- પ્રેરણાપીઠની બીજી સંસ્થા શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજ ટ્રસ્ટ દ્વારા ગુરુકુળ નામની શૈક્ષણિક સંસ્થા ચાલે છે. જેમાં કે. જી. થી ધોરણ-૧૨ સુધી ઈંગ્લીશ તથા ગુજરાતી માધ્યમના અભ્યાસ ક્રમ ચાલે છે. જેમાં આશરે ૨૫૦૦ બાળકો અભ્યાસ કરે છે. ભવિષ્યમાં કોલેજના અભ્યાસના વર્ગો ખોલવા(ચાલુ કરવા)માં આવશે.
ગુરુકુળમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન વિદ્યાર્થીઓને નિયમિત સવાર-સાંજ, ચા-નાસ્તો, ભોજન આપાય છે. આ સંસ્થામાં પૂર્ણ સગવડો સાથે ઓછા ખર્ચે સારું શિક્ષણ આપાય છે.
(૮) સાહિત્ય પ્રકાશન:- આ સંસ્થાના શુભેચ્છક સંસ્થા શ્રી ક. ક. પા. સ. સ. સમાજ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતી સતપંથ પ્રકાશન સમિતિ નહિ નફાના ધોરણે સનાતન સતપંથ ધર્મને લાગતાં પ્રકાશનો તથા સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ રચિત ગ્રંથોમાંથી તમામ પ્રકાશનો બહાર પડે છે. જે સનાતન સતપંથ પ્રકાશન સમિતિના પૂર્વ સંપાદક શ્રી શામજીદાદાની સતપંથ ધર્મની ઊંડી સમજ તથા તેના અભ્યાસને લઈને સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજના પુસ્તકોનો ખુબ ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી તેને નવા સ્વરૂપે સતપંથ સમાજ સમક્ષ મૂકતાં સનાતન સતપંથ સંપ્રદાયને નવું જોમ જુસ્સો મળ્યો છે.
અગાઉ દર્શાવ્યા મુજબના સાહિત્યો ઉપરાંત સંતશ્રી નાયાજી મહારાજ, સંતશ્રી ભાભારામ મહારાજ, સદગુરુશ્રી ઈમામશાહ મહારાજ જીવન ચરિત્ર, વારીયજ્ઞ મહાપૂજા વગેરે આધ્યાત્મિક પુસ્તકો બહાર પાડવામાં આવ્યાં છે. સતપંથ ધર્મને લગતા તમામ લેખો, સંસ્થાના સમાચારો, ધાર્મિક તેમજ સામાજિક વિચારોને વેગ આપવા, ભાવી કાર્યક્રમોની માહિતી આપવા તેમજ ધર્મ પ્રચાર-પ્રસાર માટે સનાતન સતપંથ પ્રકાશન સમિતિ દ્વારા “સતપંથ પ્રકાશ” નામક માસિક અંક બહાર પાડવામાં આવે છે.
(૯) આરોગ્ય કેન્દ્ર:- જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ સંસ્થા દ્વારા અલ્પ ફી લઈને દવાખાનું (હોસ્પિટલ) ચલાવવામાં આવે છે જેમાં દરરોજ સેંકડો દર્દીઓ આ દવાખાનનો લાભ લે છે. જેમાં આંખ અને દાંતની સારવાર પણ કરવામાં આવે છે.
(૧૦) વાર્ષિક ઉત્સવો:- આ સંસ્થા જાહેર ત્રણ મોટા ઉત્સવો ઉજવે છે. જેમાં (૧) અમૃત મહોત્સવ(પગપાળા સંઘ / સંધમેળો ચૈત્ર સુદ-૨ ના દિવસે) (૨) ગુરુપૂર્ણિમા મહોત્સવ(અષાઢ સુદ-૧૫ના દિવસે) (૩) જગદગુરુ પદ પ્રતિષ્ઠા મહોત્સવ(આસો સુદ-૧૫ ના દિવસે). આ ઉપરાંત આ સંપ્રદાય દ્વારા શ્રાવણ માસમાં અનુષ્ઠાનો, આધ્યાત્મિક સતસંગ, કૃષ્ણ જન્મોત્સવ, ગણેશોત્સવ, નવરાત્રી ઉત્સવ, દિવાળી, શિવરાત્રી, રામનવમી, હોલીકાત્સવ, અખાત્રીજ વગેરે જેવા ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. શ્રી દશાવતાર કથા, ગોપીગીત કથા, ગુરુજન ગીતા કથા વગેરે કથાઓનું સમયાંતરે આયોજનો કરવામાં આવે છે.
સંસ્થાની અન્ય પેટા સંસ્થાઓ
(૧) શ્રી નિષ્કલંકીધામ-નખત્રાણા:- કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું શ્રી નિષ્કલંકીધામ જ્યાં શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર અને કુળદેવી શ્રી ઉમિયા માતાજીના વિશાળ દિવ્ય મંદિરો આવેલાં છે. દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. સંસ્થાનો વહીવટ ટ્રસ્ટ દ્વારા પ્રેરણાપીઠ સંલગ્ન ચાલે છે. અહીં રહેવા તથા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે. વર્તમાન ગાદીપતિ પ.પૂ. મહંત શ્રી જયરામદાસ મહારાજની દેખરેખ નીચે સંસ્થાનો કાર્યભાર ચાલે છે.
(૨) સંતશ્રી નાયાજી મહારાજનું ધામ(કુકસ):- સદગુરુશ્રી ઈમામશાહ મહારાજ દ્વારા સ્થાપિત આ પ્રસિધ્ધ ધામ વડોદરા જીલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામમાં આવેલ છે. આ સંસ્થાનો વહીવટ વર્તમાન ગાદીપતિ અને ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. અહીં સંત શ્રી નાયાજી મહારાજનું સમાધિ મંદિર તથા સ્તુતિ મંદિર આવેલ છે. અહીં વર્ષમાં ત્રણ મોટા ઉત્સવો થાય છે. આ યાત્રા ધામમાં હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવી મનોકામના પૂર્ણ કરે છે. અહીં આવતા યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજન તથા રહેવાની સુદ્દઢ સગવડતા આપવામાં આવે છે. વર્તમાન ગાદીપતિ પ.પૂ. મહંત શ્રી શિવરામદાસજી મહારાજની દેખરેખ હેઠળ સંસ્થાનો કાર્યભાર ચાલે છે.
(૩) બીજા શિષ્ય સંતશ્રી ભાભારામ:- સંતશ્રી ભાભારામ મહારાજનું ધામ ખેડા જીલ્લાના નડિયાદ પાસેના “દેવા” ગામે આવેલું છે. ત્યાં તેમની સમાધિ આવેલ છે. મોટું મંદિર છે અને યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે.
(૪) ત્રીજા શિષ્ય સાધ્વીશ્રી કીકીબાઈ:- સાધ્વીશ્રી કીકીબાઈનું યાત્રાધામ નડિયાદ નજીક વસો પાસે “ઋણ” ગામે આવેલું છે. ત્યાં સુંદર કલાત્મક મંદિર છે. આ મોટી સંસ્થા છે, જેની ખેતીની ઘણી જમીન છે. અહીં ભોજન તથા રહેવાની સગવડ ઉપલબ્ધ છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ દર્શનાર્થે અહીં પધારે છે. આ સંસ્થા દ્વારા અનેક વિધ પ્રવૃતિઓ ચાલે છે. સંસ્થાના ગાદીપતિ દ્વારા સંસ્થાનો વહીવટ ચાલે છે.
(૫) શ્રી સતપંથ સેવાશ્રમ-કાદીયા મોટા:- કચ્છ નખત્રાણા તાલુકાના કાદીયા ગામે સનાતન સતપંથના પૂર્વ બ્રહ્મલીન સંત શ્રી માવજીદાસ મહારાજે સ્થાપેલ આ કાદીયા આશ્રમ તેમની સ્મૃતિ રૂપે શોભી રહ્યો છે. કાદીયા આશ્રમ હાલ મોટું યાત્રા ધામ બની ગયેલ છે. હજારો ભક્તો-યાત્રાળુઓ લાભ લઇ રહ્યા છે. ત્યાં રહેવા જમવા માટે વિશાળ ધર્મશાળા બનાવામાં આવી છે. વર્તમાન ગાદીપતિ પ.પૂ. મહંત શ્રી દિવ્યાનંદ મહારાજની દેખરેખ હેઠળ સંસ્થાનો કાર્યભાર ચાલે છે. પૂ. મહંતશ્રી સેવા સાથે ધર્મ પ્રચાર કરી રહ્યા છે.
(૬) સંત કુંવરમા આશ્રમ:- સંત કુંવરમાની સમાધિ તા. માંડવી-કચ્છ, મુ. દરશડી ગામે આવેલી છે. ત્યાં તેમનો આશ્રમ આવેલો છે. હાલના ગાદીપતિ સંતશ્રી રતિબાપા સંસ્થાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. માતાજી કુંવરમા સ્મૃતિ ધામે હજારો યાત્રાળુઓ દર્શન માટે આવે છે. માતાજીનો બીજો આશ્રમ બાયડ તાલુકાના વજેપુરાકંપામાં આવેલ છે. અહીં માતાજીની સ્મૃતિ રૂપે વિશાળ પાયે “સ્મૃતિ મંદિર”નું નિર્માણ કરેલું છે. અહીં સ્મૃતિ મંદિરમાં અનેક વિધ પ્રવૃતિઓ ચાલે છે અને હજારો ભક્તો દર્શનાર્થે આવી મનોકામના પૂર્ણ કરે છે. અહીં દર વર્ષે સમૂહ લગ્ન યોજવામાં આવે છે. માતાજીનો ત્રીજો આશ્રમ શિવરાજપુરા કંપા, તા. મેઘરજ પાસે આવેલ છે.
(૭) સંતશ્રી નથ્થુરામબાપા આશ્રમ પાવનધામ વડાલી કંપા:- સાબરકાંઠાના વડાલી પાસે વડાલીકંપા સનાતન સતપંથના બ્રહ્મલીન પ.પૂ. સંતશ્રી નથ્થુરામબાપાનું સ્મૃતિ મંદિર આવેલું છે. સ્મૃતિ મંદિરમાં પાદુકાનાં દર્શન માટે હજારો યાત્રાળુઓ આવે છે. સંતશ્રી નથ્થુરામબાપા સ્મૃતિ મંદિરનું ટ્રસ્ટ છે. જે અનેક વિધ પ્રવૃતિઓ ચલાવે છે. ગુરુપૂર્ણિમા તથા મહાસુદ પૂનમે મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. દરેક માસની પૂનમે પણ અનેક શ્રધાળુંઓ દર્શન માટે આવે છે. અહીં ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન યોજવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા મંદિરનો વહીવટ ચાલે છે. હાલમાં સંતશ્રી ચંદુબાપા આ સંસ્થાનો કાર્યભાર સંભાળી રહ્યા છે.
આજ સંકુલમાં સંતશ્રી નથ્થુરામબાપાના શિષ્ય બ્રહ્મલીન પ.પૂ. સંતશ્રી તુલસીબાપાની સમાધિ પણ આવેલી છે.
(૮) સંતશ્રી રામદાસ બાપુ સ્મૃતિ ધામ (પીરાણા):- સનાતન સતપંથ ધર્મના પ્રેરણા સ્ત્રોત બ્રહ્મલીન પ.પૂ. સંત શ્રી “રામદાસ બાપુ સ્મૃતિ ધામ” પ્રેરણાપીઠ પીરાણા ફૂલવાડીમાં આવેલું છે. સ્મૃતિ મંદિરે પાદુકોઓનાં દર્શનાર્થે અનેક ભક્તો સેવકો આવે છે. પ.પૂ. સંત શ્રી રામદાસ બાપુની દિવ્ય શક્તિ-વાણી અને પ્રેરણાનો લાભ સતપંથ સમાજ અને પ્રેરણા પીઠને આજે પણ મળી રહ્યો છે.
(૯) સતપંથ સેવાશ્રમ ફૈજપુર:- મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લામાં “સતપંથ સેવાશ્રમ” ફૈજપુર ગામે આવેલ છે. સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ આ પ્રદેશમાં ઉપદેશ આપવા માટે આવેલા હતા, ત્યાં આજે પણ લાખો સતપંથીઓ છે. ત્યાં સેંકડો ગામોમાં શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિરો છે. સતપંથ સેવાશ્રમના પૂર્વ મહંત પ.પૂ. બ્રહ્મલીન જગન્નાથજી મહારાજ હતા. તેમનો સતપંથ પ્રચાર-પ્રસારમાં અમૂલ્ય ફાળો રહ્યો છે. પ્રેરણાપીઠમાં ઢોલિયા મંદિરમાં તેમનાં બનાવેલાં ચિત્રો આજે પણ મોજુદ છે. ત્યાં આજે મોટી સંખ્યામાં સનાતન સતપંથ અનુયાયીઓ છે. ખેતીવાડી છે, યાત્રાધામ સ્વરૂપે મોટું મંદિર છે. ત્યાંના ગાદીપતિ મહામંડલેશ્વર પ.પૂ શ્રી જનાર્દન હરિજી મહારાજની દેખરેખ હેઠળ સતપંથ ધર્મનો પ્રચાર-પ્રસાર થાય છે.
(૧૦) પ.પૂ. આદ્ય જગદગુરુ સ્મૃતિ મંદિર (પીરાણા):- બ્રહ્મલીન પ.પૂ. આદ્ય જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજ તથા બ્રહ્મલીન પ.પૂ. આદ્ય જગદગુરુ શ્રી નાનકદાસજી મહારાજનું “સ્મૃતિ મંદિર” પ્રેરણાપીઠ પીરાણા ફૂલવાડીમાં આવેલું છે. સ્મૃતિ મંદિરે પાદુકોઓનાં દર્શનાર્થે અનેક ભક્તો સેવકો આવે છે. યાત્રાએ આવતા યાત્રાળુઓ પ્રથમ આ સ્મૃતિ મંદિરનાં દર્શન કરે છે. આ મંદિરમાં આવતાં જ શાંતિ તેમજ આનંદની અનુભૂતિ થાય છે.
(૧૧) બાલાશાહ ધામ:- ખંભાત મુકામે આવેલું છે. ત્યાં હાલ ગાદીપતિ સંતશ્રી છગનબાપા આ સંસ્થાનો કાર્યભાર સંભાળે છે. આ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સતપંથ ધર્મના અનુયાયીઓ છે.
(૧૨) દિવાળી પુરા(નસવાડી):- અહીં સનાતન સતપંથનું મંદિર આવેલું જ્યાં બ્રહ્મલીન પ.પૂ. મહંત શ્રી સોમદાસજી મહારાજ ગાદીપતિ તરીકે સેવા આપતા હતા. અને આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં ત્યાંનો વહીવટ દિવાળીપુરા ગામના હરિભક્તો સંભાળે છે.
(૧૩) સંત કુટીર લક્ષ્મણપુરા કંપા (વડાલી):- અહીં પ.પૂ સંત શ્રી જય ભગવાનબાપાનો આશ્રમ આવેલ છે. આ વિસ્તારમાં સનાતન સતપંથ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર તેઓશ્રી કરતા હતા , જેમના બ્રહ્મલીન થયા પછી પ્રેરણાપીઠ થી થાય છે.
(૧૪) ઓમશ્રી હરિધામ લક્ષ્મીપુરા કંપા (ખેડબ્રહ્મા):- અહીં બ્રહ્મલીન પ.પૂ સંતશ્રી કાનજી બાપાનો આશ્રમ આવેલ છે.
(૧૫) મેત્રાલ કંપા(ખેડબ્રહ્મા):- અહીં બ્રહ્મલીન પ.પૂ. સંતશ્રી નારણબાપાનો આશ્રમ આવેલ છે.